Gujarati movie review carry on kesar Ft.Supriya Pathak Kapur, Darshan Jariwala, Avani Modi
17/02/2017

 

Movie : કેરી ઓન કેસર 

Music by : Sachin–Jigar

Cast :

  • Supriya Pathak Kapur as Kesar Patel
  • Darshan Jariwala as Shyamji Patel
  • Avani Modi as Annie
  • Rittesh Mobh as Dr. Pratik Joshi
  • Arachan Trivedi as Odha Kaka
  • Bhaskar Bhojak as Hitesh Patel
  • Parth Thakar as Mitesh Patel
  • Amish Tanna as Jignesh
  • Olamilekan Akanbi Jason as John

Rating : 4.5/5

 

 એક સમય હતો જ્યારે કહેવાતું કે ભારતીય સિનેમાના પાયામાં ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી મહાનુભવોનું અમુલ્ય યોગદાન રહ્યું છે. સમય જતાં ગુજરાતી ફિલ્મો ઓછી બનવા લાગી અને બીજી તરફ ટેકનિકલ રીતે અસક્ષમ બનવા લાગી. પરંતુ ફિલ્મોની વાર્તા ધારદાર જ રહેતી. દેશ રે જોયા દાદા પરદેશ, મૈયરમાં મનડુ નથી લાગતુ કે વિક્રમ ઠાકોર, હિતેન કુમાર, હિતુ કનોડિયા વગેરે વગેરેની પારિવારિક ફિલ્મોમાં આજેપણ તમને ગુજરાતીપણું અવશ્ય જોવા મળે. પ્રાદેશિક ફિલ્મોનું મહત્વ એ જ છે કે એ જે તે પ્રદેશની વાર્તા, સંસ્કૃતિ અને તેની યશગાથાઓને પડદા પર કંડારે બાકી હાઈફાઈ કેમેરાના શોટ જોવા હોય તો લોકો હોલિવૂડ ફિલ્મો જ ન જોવા લાગે.

ગુજરાતી સિનેમામાં જયારે નવો પ્રાણ ફૂંકાઈ રહ્યો છે ત્યારે તેમાં એક નવું નામ ઉમેરાયું છે વિપુલ મેહતા। આ એ વ્યક્તિ છે જેમણે ભારતની સુધી સફળ ધારાવાહિક "કયુંકી સાસ ભી કભી બહુ થી" ના 400થી વધુ એપિસોડ લખ્યા છે અને એ સિવાય હિન્દી ફિલ્મ "સુપર નાની"ના રાઈટર અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર નાટક "જલસા કરો જેન્તીભાઇ"ના નિર્દેશક રહી ચુક્યા છે.

 

 

STORY :

ફિલ્મની વાર્તા તમને ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટ જણાઈ આવશે કે ફિલ્મના કેન્દ્રમાં 50 વર્ષ વિતાવી ગયેલું યુગલ છે. જેમને લગ્નના 30 વર્ષ થવા છતાંય કોઈ સંતાન નથી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દર્શન જરીવાલા (શામજી પટેલ) અને સુપ્રિયા પાઠક (કેશર પટેલ) છે. લગ્નને 30 વર્ષ થવા છતાંય બંનેનો એક બીજા પ્રત્યેનો પ્રેમ અને લાગણી જરા સરખી પણ ઓછી નથી થઇ. કેસર પટેલનો ખોબો મોટો છે પણ ખોળો ખાલી છે અને આજ વાતની ચિંતામાં તેમના જીવનના રંગો ભૂંસાઈ ગયા છે.

શામજી પટેલ અને કેશર પટેલના જીવનમાં રંગો પુરવા પેરિસથી એની (અવની મોદી) આવે છે. એની છે ગુજરાતી પણ તે પેરિસમાં રહીને મોટી થઇ છે અને ત્યાં ફેશન ડિઝાઇનર છે. એની એના રિસર્ચ માટે કેશર પટેલના ઘરે એટલે કે જામખંભાળિયા આવે છે ત્યારે ફિલ્મમાં નવો વણાંક આવે છે.

હવે એનીએ શામજી પટેલ અને કેશર પટેલના જીવનમાં સુકાઈ ગયેલા રંગોને તાજા કરવાનું બીડુ ઝડપી લીધું છે, અને આમાં તેની મદદે લંડન રિટર્ન IVF સ્પેશ્યલિસ્ટ ડૉ.પ્રતીક જોશી આવે છે. વચ્ચે વચ્ચે શામજી પટેલના ભત્રીજા મિતેષ અને હિતેશની જોડી તમને મજા કરાવતા રહેશે. ડૉ.પ્રતીક જોશી અને એનીની લવ-કેમેસ્ટ્રી તમને મજા કરાવતા રહેશે. શામજી પટેલ અને કેશર પટેલ હવે ટેસ્ટ ટ્યુબ પદ્ધતિથી માં-બાપ બનવા જઈ રહ્યા છે. આ ઉંમરે માં-બાપ બનનાર શામજી-કેસરના જીવનમાં આવનાર નવ મહિના સુધીની સફર ક્યારે તમારી સફર બની જશે એ તમે ફિલ્મ જોશો એટલે ખ્યાલ આવી જશે.

 

 

PERFORMANCE :

 

ફિલ્મમાં અભિનયના એક્કા કહેવાય એવા દર્શન જરીવાલા અને સુપ્રિયા પાઠક છે. આ ફિલ્મ બંનેની પ્રથમ મુખ્ય ભૂમિકા ભજવતી પ્રાદેશિક ગુજરાતી ફિલ્મ કહી શકાય. ફિલ્મમાં પતિ-પત્નીના રોલમાં તેઓ એવા બંધ બેસે છે કે તમે બીજા કોઈને કલ્પી નહિ શકો.

માથે પાઘડી, ધોતી, ઝભ્ભો-કોટી અને મૂંછ માં દર્શન જરીવાલા પાક્કા ગુજરાતી લાગે છે. જયારે સુપ્રિયા પાઠક સારીમાં કાઠિયાવાડી પટરાણી લાગે છે. ફિલ્મમાં આવતી કોમેડી હોય કે લાગણી ભર્યા દ્રશ્યો બંને પીઢ કલાકોરોનો અભિનય તમને દીવાના બનાવી દેશે.

અવની મોદી (એની)ની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. આ પહેલા તે કેલેન્ડર ગર્લમાં જોવા મળી હતી. મોડર્ન યુવતીમાંથી ગામડાની છોરી બનતી એનીની એક્ટિંગ દમદાર છે. ડૉ.પ્રતીક જોશી એટલે રિતેશ મોભ જેમણે ડોક્ટરનું પાત્ર બખૂબી નિભાવ્યું છે અને તેની અને એની વચ્ચેની કેમેસ્ટ્રી પડદા પર વારંવાર જોવી ગમે એવી છે.

ફિલ્મમાં હાસ્યના રંગો પુરવા ઘરનો નોકર જીગલો, શામજી પટેલના ભત્રીજા મિતેષ-હિતેશની જોડી, 135નો માવો બનાવતા ઓધા કાકા તમને ફિલ્મ પુરી થઇ ત્યાં સુધી જકડી રાખશે.

ફિલ્મનું કર્ણ-પ્રિય સંગીત સચિન-જીગરે આપ્યું છે. આ બેલડીનું સંગીત હોય એટલે એમાં કઈ ઘટે જ નહિ. ફિલ્માં ચારે ગીતો વારંવાર સાંભળવા ગમે તેવા છે અને એમાંય "કાળજા નો કટકો" તમારા અંતર આત્માને સ્પર્શિ જાય તેવું છે. ફિલ્મના ડાઈલોગ અંકિત ત્રિવેદીએ લખ્યા છે જેમાં તમને કાઠિયાવાડી ગુજરાતીપણુ જોવા મળશે.

 

FINAL VERDICT :


થોડા શબ્દોમાં કહીએ તો છેલ્લા કેટલાય વર્ષો પછી લાગણીઓથી ભરપૂર પારિવારિક ફિલ્મ આવી છે. આજે આવેલી "કેરી ઓન કેશર"માં તમને બધોજ મસાલો જોવા મળશે. આ એવી ફિલમ છે જેમાં તમને એવું લાગશે કે મહદઅંશે આ મારી વાર્તા છે અથવા તમારી સાથે વીતી ગયેલો કોઈ પ્રસંગ છે.

ફિલ્મની વાર્તા બધાને ખબર છે છતાં પણ, ફિલ્મ શરુ થાય ત્યારથી લઈને પુરી થાય ત્યા સુધી તમને ચોક્કસ ઝકડી રાખે છે. આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોને નવું પ્રોત્સહન મળશે એ નક્કી છે.

છેલ્લા શબ્દોમાં કહીએ તો "કેરી ઓન કેશર" ફિલ્મ એ ગુજરાતી સિનેમાનો કાળજાનો કટકો સાબિત થશે.